હાઈટેક ચોર: ગૂગલ મેપથી શોધતો હતો અમીરોના એડ્રેસ, પછી હવાઈ જહાજથી કરવા જતો ચોરી

હાઈટેક ચોર ગૂગલ મેપનો ઉપયોગ કરીને પોશ વિસ્તારોમાં રહેતાં પૈસાદાર લોકોને ટાર્ગેટ કરતો

professional thief used Google maps for searching rich people and looted their houses

- લાંબી કાર્યવાહી પછી પોલીસે હૈદરાબાદથી હાઈટેક ચોરની કરી ધરપકડ
ચેન્નાઈ: ચોર પણ હવે હાઈટેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મોટી લૂંટ ક્યાં કરી શકાય તે શીખતા થઈ ગયા છે. તાજેતરમાં જ પોલીસ દ્વારા હૈદરાબાદથી આવા એક શાતિર ચોરની ધરપકડ કરવામાં આવી છે. આ ચોર ગૂગલ મેપનો ઉપયોગ કરીને પોશ વિસ્તારમાં રહેતા અમીર લોકોને ટાર્ગેટ બનાવતો હતો. ત્યારપછી વિમાનથી તે શહેર પહોંચતો અને ઘરની રેકી કરતો. હાઈટેક ચોર ચોરી પણ એ રીતે કરતો કે એક પણ પૂરાવો નહતો છોડતો. ખૂબ લાંબી કાર્યવાહી પછી પોલીસે હૈદરાબાદથી આ હાઈટેક ચોરની ધરપકડ કરી છે. હાઈટેક લૂંટનો ખુલાસો ત્યારે થયો જ્યારે અપોલો હોસ્પિટલમાં કામ કરતાં નંગમબક્કમ ડોક્ટરના ઘરે ચોરી થઈ હતી.
ડોક્ટરના ઘરે આ ચોરી ગયા મહિને થઈ હતી. ચોર એટલો શાતિર હતો કે કોઈ પૂરાવો નહતો છોડ્યો. આ ચોરે એટલી સફાઈથી ચોરી કરી હતી કે, ઘણાં પ્રયત્નો પછી પણ પોલીસને સતત નિષ્ફળતા જ મળતી હતી. જોકે આ પ્રમાણેની ઘટના વૈલ્લુર કોટ્ટમ સહિત ચેન્નાઈના ઘણાં પોશ વિસ્તારમાં થઈ હતી. જ્યાં ઘણાં પૈસાદાર લોકો રહે છે. પરંતુ પોલીસને આ કેસમાં પણ ચોરને પકડવામાં સફળતા નહતી મળી.
આ દરમિયાન આંધ્રપ્રદેશનો એક ચોર સાથિયા રેડ્ડીની તેલંગાણામાંથી ધરપકડ થઈ હતી. હૈદરાબાદ પોલીસે તેની એક ચોરીના કેસમાં જ ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન હૈદરાબાદ પોલીસને ત્યારે આશ્ચર્ય થયું જ્યારે તેમને ખબર પડી કે સાથિયા રેડ્ડી તે જ ચોર છે જેણે નંગમબક્કમ અને વેલ્લુવર કોટ્ટમમાં ચોરી કરી હતી. કડક રીતે પૂછપરછ કરતાં સાથિયાએ તેની સમગ્ર મોડસ ઓપરેન્ડી જણાવી. ત્યારે પોલીસવાળાને પણ પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
સાથિયા રેડ્ડીએ પોલીસને જણાવ્યું કે, તેણે પહેલાં ગૂગલ મેપ્સ દ્વારા ચેન્નાઈના પોશ વિસ્તાર શોધી કાઢ્યાં હતા. ત્યારપછી તે પ્લેન પકડીને ચેન્નાઈ પહોંચ્યો અને તેણે પસંદ કરેલા વિસ્તારમાં રેકી શરૂ કરી. અહીં તેણે એવા ઘર ટાર્ગેટ કર્યા જ્યાં તાળા લગાવેલા હતા અથવા તેમાં રહેતા લોકો મોટાભાગે ઘની બહાર રહેતા હતા. આમ, તેણે ટાર્ગેટ કરેલા મકાનોમાં પહેલાં લૂંટ કરવાનું શરૂ કર્યું. ઘરના દરવાજા, તાળા અને બારી શોધવા માટે તે ખાસ પ્રકારના હથિયાર તેની પાસે રાખતો હતો અને ચોરી કરતી વખતે યાદ કરીને માસ્ક અને ગ્લવ્સ પહેરી લેતો હતો. ચોરી કર્યા પછી તે ટ્રેનથી પાછો પોતાના ઘરે જતો રહેતો હતો.

Comments