પાલિકામાં ભરતી કૌભાંડ/ કલાર્કની પરીક્ષામાં પાસ થયેલા 142 ઉમેદવારમાંથી એક પણ વડોદરાનો નથી

લોકરક્ષક પેપર કાંડનો પડઘો સભામાં પડ્યો, વિપક્ષ અને સત્તાધારી પક્ષે 2016માં પાલિકામાં થયેલી ભરતીનું પ્રકરણ ખોલ્યું

Vadodara does not have one of the 142 candidates passed in the Clerk examination

* મને પણ શંકા થાય છે, તપાસ થવી જોઇએ. - ડૉ. જીગિશાબેન
વડોદરા: પોલિસ લોકરક્ષકની ભરતી માટેની પરિક્ષાનું પેપર લીક થયા ના પડધાં કોર્પોરેશનમાં પડ્યા છે. 2016માં પાલિકામાં ભરતી કરાયેલ 142 કલાર્કમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા સોમવારે મળેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં વ્યકત કરવામાં આવી હતી. અા પરિક્ષામાં વડોદરામાંથી અેક પણ ઉમેદવાર પસંદ થયો ન હતો. જે 142 લોકોની ભરતી થઈ હતી તે બધાજ વડોદરા બહારના હતા.
સભામાં અાજે અાને લઈને શંકા વ્યક્ત કરવામાં અાવી હતી. મેયર જીગીશાબેન શેઠે પણ અા બાબતે અાશ્ચર્ય વક્ત કર્ય હતુ અને તપાસ થવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો.
સોમવારે મળેલી પાલિકાની સામાન્ય સભામાં લોકરક્ષક દળના પેપેર લીકમાં પાલિકાના કર્મચારીના નામના મુદ્દે હોબાળા બાદ કોંગ્રેસના કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે પાલિકામાં 2016માં ભરતી કરવામાં આવેલ કલાર્કમાં એક પણ વડોદરાનો ઉમેદવાર નથી જે આશ્ચર્યજનક છે,વડોદરા એજ્યુકેશનનું હબ ગણાય છે અને એમ.એસ. યુનિવર્સિટી આવેલી છે તેવા સમયે કોઇ વિદ્યાર્થીની પસંદગી થઇ નથી તે શંકાસ્પદ છે.

જેથી મેયર ડો.જિગીષાબેન શેઠે પણ શહેરમાંથી કોઇનો નંબર લાગ્યો નથી જે શંકા જાય તેમ છે, જેથી તપાસ થવી જોઇએ તેવું જણાવ્યું હતું. ભાજપના કાઉન્સિલર અજિત પટેલે પણ કહ્યું હતું કે જો તપાસ કરવી હોય તો વર્તમાન કર્મચારીઓને ફરજ મુક્તિ કરીને તપાસ કરવી જોઇએ. ડભોઇના ધારાસભ્ય અને કાઉસિસીલર શૈલેષ મહેતાએ પણ સભાના ફ્લોર પર જણાવ્યું હતું કે જો મેયર પોતે શંકા કરતાં હોય તો આ મામલે તપાસ થવી જ જોઇએ. કાઉન્સિલર અમી રાવતે પણ તેમના ધ્યાને આવા કિસ્સાઓ આવ્યા હોવાનું જણાવ્યું હતું.
પેપર લીક કૌભાંડનો આરોપી મનહર પટેલ વાઘોડિયાથી ઝડપાયો, ઉમેદવાર દીઠ ~5 લાખનો ભાવ
લોકરક્ષક પેપર કાૈભાંડમાં મૂળ લૂણાવાડાના અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનેટરી વિભાગના કોન્ટ્રાકટના કર્મચારી યશપાલસિંહ જસવંતસિંહ સોલંકીએ બાયડના અંકોડિયા ગામના મનહર રણછોડ પટેલને 1 ડિસેમ્બરે મોડી રાત્રે જવાબવહી આપવાનું કહી ઉમેદવાર દીઠ રૂા. 5 લાખનો ભાવ નક્કી કર્યો હોવાની વિગતો મળી હતી.આધારભૂત સૂત્રો મુજબ, મનહર પટેલ તેની અલ્ટો કાર લઇ વડોદરા તરફ આવતો હોવાની બાતમી મળતાં શહેર-જિલ્લા પોલીસને એલર્ટ કરી દેવાઇ હતી. શરૂઆતમાં મનહર સાવલીના કલ્યાણપુરા ગામે હોવાની જાણ થતાં જિલ્લા પોલીસે સમગ્ર વિસ્તાર ખૂંદી નાખ્યો હતો.
જોકે, મનહર હાલોલના કંજરી તરફ ગયો હોવાની જાણ થતાં અન્ય પોલીસે સતર્ક થઇ નાકાબંધી કરી હતી. મનહર અલ્ટો કાર સાથે વાઘોડિયાના ખંધા ગામ પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે પોલીસે તેને પકડી લીધો હતો. તેને તાત્કાલિક પોલીસ વાહનમાં ગાંધીનગર સીઆઇડી ખાતે લઇ જવાયો હતો. જોકે, આ સંદર્ભે વાઘોડિયા પીઅેસઆઇ ભગતસિંહ રાઠોડ , એસઓજી પીઆઇ કરમૂર અને જિલ્લા પોલીસ વડા તરુણકુમાર દુગ્ગલને પૂછતા તમામે મનહર પટેલની વાઘોડિયાથી ધરપકડ થઇ હોવાનો ઇનકાર કર્યો છે.

Comments